હવે તે દિવસો દુર નથી જ્યારે ભારતમાં માત્ર 100 રૂપિયામાં એક વર્ષ માટે ઈન્ટરનેટ સેવા મળશે. ભારતમાં આવેલી ડેટાવિન્ડ કંપનીએ લોકોને સસ્તા ઈન્ટરનેટનું સપનું બતાવ્યું છે. કંપનીના કહેવા પ્રમાણે તે વર્ચ્યુઅલ નેટવર્ક ઓપરેટર માટે આવેદન કરવા જઈ રહી છે. આ લાઈસન્સ પ્રાપ્ત કર્યા બાદ કંપની ગ્રાહકોને એક વર્ષ માટે ઈન્ટરનેટ સેવા માત્ર 100 રૂપિયામાં આપશે.

કંપની કરશે 100 કરોડનું રોકાણ
સરકારે આ પ્રકારની વર્ચ્યુઅલ નેટવર્ક ઓપરેટરો માટે પહેલાથી જ જરૂરી સૂચનો રજૂ કરેલા છે. ડેટાવિન્ડ કંપનીએ મોબાઈલ વર્ચ્યુઅલ નેટવર્ક ઓપરેટરની યોજનામાં 100 કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન કર્યો છે. કંપનીના સીઈઓ સુનીત સિંહ તુલીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આ સૂચનોનું સ્વાગત કર્યું છે.

દરેક વર્ગના લોકો સુધી પહોંચશે ઈન્ટરનેટ
તુલીએ કહ્યું કે ભારત જેવા વિશાળ દેશમાં માત્ર અમુક લોકો સુધી જ ઈન્ટરનેટની પહોંચ છે. હજુ પણ 100 કરોડથી વધારે લોકો ઈન્ટરનેટથી વંચિત છે તેવા સમયે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે. તુલીએ આગળ કહ્યું કે આજના સમયમાં મોબાઈલ ઈન્ટરનેટ પેક જે રીતે મોંઘા થઈ રહ્યા છે તેના કારણે ગ્રામિણ વિસ્તારના લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા. પરંતુ હવે તેમની કંપની એક વર્ષ માટે માત્ર 100 રૂપિયા ચાર્જ વસુલ કરશે જેથી દરેક વર્ગના લોકો સુધી ઈન્ટરનેટ પહોંચશે.

દિવાળી પહેલા સસ્તી કિંમતે ઈન્ટરનેટ આપવાની યોજના
ડેટાવિન્ડ અત્યારે ભારતમાં રિલાયન્સ અને ટેલીનોર સાથે મળીને પોતાના ગ્રાહકોને મફતમાં ઈન્ટરનેટ સેવા આપી રહી છે. પરંતુ હવે આ સિવાયની અન્ય કંપનીઓ સાથે પણ તે વિષયમાં વાતચીત ચાલી રહી છે. ડેટાવિન્ડના સીઈઓ અનુસાર જે ટેલિકોમ કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા તૈયાર કરશે તેની સાથે તેઓ કરાર કરીને દિવાળી પહેલા ગ્રાહકોને સસ્તી કિંમતે ઈન્ટરનેટની સુવિધા આપશે.
 
Top